માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા તા. ૨૦/૦૭/૨૦૨૪ના રોજ "ગુરુવંદના તથા વૃક્ષારોપણ કાર્યક્રમ" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાના મૂલ્યોનું જતન, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય તથા સામાજિક મૂલ્યોનું સંવર્ધન કરવાનો હતો.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. (ડૉ.) કમલસિંહ ડોડીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવતાં જીવનમાં શિક્ષણ, સંસ્કાર, સંશોધન અને સામાજિક જવાબદારીના મહત્વ પર પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમની શૈક્ષણિક પ્રગતિ, કારકિર્દી અને સમાજ પ્રત્યેની જવાબદારીઓ અંગે પ્રોત્સાહક વિચારો વ્યક્ત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન કુલપતિશ્રીએ મા સરસ્વતી તથા તુલસી માતાનું પૂજન કર્યું હતું તેમજ રાષ્ટ્રભાવનાના પ્રતિકરૂપે રાષ્ટ્રધ્વજ ફરકાવી કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. ત્યારબાદ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે ભવનના વડા ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા દ્વારા વિભાગની શૈક્ષણિક, સંશોધનાત્મક, વિસ્તરણલક્ષી તથા વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓનો વિગતવાર પરિચય આપવામાં આવ્યો હતો. તેમણે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ તેમજ ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપી હતી.
કાર્યક્રમમાં વિભાગના અધ્યાપકો ડૉ. રાજેશભાઈ દવે, ડૉ. હિરેનભાઈ ચગ, ડૉ. સાગરભાઈ અમીપરા તથા ભવનના ઓફિસ આસિસ્ટન્ટ શ્રી વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કુલપતિશ્રી સાથે સંવાદ કરવાનો લાભ મેળવ્યો હતો.
આ કાર્યક્રમના સફળ આયોજનમાં એલએલ.એમ. સેમેસ્ટર–૩ના વિદ્યાર્થીઓ દ્વારા નોંધપાત્ર આયોજનાત્મક યોગદાન આપવામાં આવ્યું હતું, જેના પરિણામે સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદરભાવ, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, રાષ્ટ્રીય ચેતના અને સામાજિક મૂલ્યોનું સંવર્ધન થાય છે. માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા શૈક્ષણિક વિકાસની સાથે મૂલ્યઆધારિત શિક્ષણ અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓનું નિયમિત આયોજન કરવામાં આવે છે.